સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

બેફામ શાયરી

જગતના કેદખાના માં ગુનાહ પણ થતાં રહે છે.
સજામાત્ર એજ કે આ જોઈ હું ભાગી નથી શકતો.

માનવી નહિ શ્વાસો જીવી રહ્યા છે.
મોત ભરી જીંદગી પ્રેત પ્યાલામાં  પી રહ્યા છે.
બેફામ  તોયે    કેટલું    થાકી   જવું  પડ્યું 
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
-બરકત વિરાણી બેફામ

રડ્યા બેફામ સૌ  મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ  એ અવસર ને મારી હાજરી નહોતી
-બરકત વિરાણી બેફામ

આ બધાં બેફામ  જે આજે રડે છે મોત પર
એ બધાંએ  જિંદગી  આખી રડાવ્યો છે મને
-બરકત વિરાણી બેફામ

કદર  શું  માંગુ  જીવનની  એ  જગત  પાસે
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે
-બરકત વિરાણી બેફામ

ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધાં બેફામ
નથી જન્નતમાં  જવું  મારે દુનિયાની હવા લઈને
-બરકત વિરાણી બેફામ

છે અહીં  બેફામ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી
પ્રાણ ઊડી જાય છે  તો દેહ પણ ગંધાય છે
-બરકત વિરાણી બેફામ

બેફામ મારા  મૃત્યુ   ઉપર  સૌ રડે ભલે
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું
-બરકત વિરાણી બેફામ

મર્યા પછી તો કબર આપશે બધા બેફામ
મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો
-બરકત વિરાણી બેફામ

બેફામ  બંધ આંખે તું  કેમ જોઈ  શકશે
બેઠાં છે મારનારાં પણ તારા ખરખરામાં
-બરકત વિરાણી બેફામ

જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ
વેઠ્યા    છે   સદા   બેફામ
કબર   પર   ફુલ    મૂકીને
ન   કરજો   મશ્કરી   મારી
-બરકત વિરાણી બેફામ

ઓ હૃદય  તેં પણ ભલા  કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
-બરકત વિરાણી બેફામ

ખુદા તારી કસોટીની પ્રથા  સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
-બરકત વિરાણી બેફામ

દુઃખ ને  સુખ અંતમાં તાસીરમાં સરખાં નીકળ્યા
સાર   તકદીર   ને  તદબીરમાં સરખાં નીકળ્યા
કે  મળ્યાં  અશ્રુ  ને  પ્રસ્વેદ   ઉભય  નીર  રૂપે
સ્વાદ પણ  બેયના એ  નીરમાં સરખા નીકળ્યાં
-બરકત વિરાણી બેફામ

સફળતા    જિંદગીની    હસ્તરેખામાં નથી  હોતી
ચણાયેલી  ઈમારત  એના નકશામાં  નથી  હોતી
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું બેફામ
પીડા  મારાં  દુઃખોની  કોઈ  બીજામાં નથી  હોતી
-બરકત વિરાણી બેફામ

એક મારો અંશ મારાથી જે પર બની ગયો
પાપી જગતની  દ્રષ્ટિએ  ઈશ્વર બની ગયો
-બરકત વિરાણી બેફામ

આ એક ગુનાહ ખુદાએ સ્વીકારવો પડશે
કે જાન લેવા મને  એણે  મારવો  પડશે
-બરકત વિરાણી બેફામ

મૂર્તિની સન્મુખ  જઈને  કેમ પ્રાર્‌થે  છે  બધાં
પીઠ પાછળ શું પ્રભુની પણ નજર રહેતી નથી
-બરકત વિરાણી બેફામ

છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયો બેફામ
હવા  પણ  કોઈએ  ના આવવા દીધી  કફનમાંથી
-બરકત વિરાણી બેફામ

ઉડે એને ય પાડે  છે  શિકારી  લોક પથ્થરથી
ધરા તો શું અહીં ખાલી નથી આકાશ ઠોકરથી
-બરકત વિરાણી બેફામ
હો ભીડમાં જ સારું  બધામાં ભળી જવાય
એકાંતમાં તો  જાતને સામે  મળી જવાય
સામે મળી જવાય તો  બીજું તો કંઈ નહિ
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય
-આદિલ મન્સૂરી

વેન્ટીલેટર પ્રાર્થના
મગજનું છો થતું મૃત્યુ ન ભલે વિચાર કો ઝબકે
ઈચ્છું પ્રેમ થડકો ઉરે  જીવું  ત્યાં લગણ  ધબકે
-અજ્ઞાત

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ
-ઓજસ પાલનપુરી

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા
વધારે   ચાંદથી   સુંદર  બની જા
જગે   પૂજાવું   જો    હોય   તારે
મટી જા માનવી  પથ્થર બની જા
-જલન માતરી

દુઃખી થાવાને માટે  કોઈ ધરતી પર નહિ આવે
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહિ આવે
હવે તો દોસ્તો  ભેગા મળી  વહેંચીને પી નાખો
જગતના  ઝેર પીવાને  હવે  શંકર નહિ  આવે
-જલન માતરી

શ્રદ્ધાનો હો વિષય તો  પુરાવાની  શી  જરૂર
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
-જલન માતરી

હું   જો   અનુકરણ  ન  કરું  તો   કરું   શું
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
-જલન માતરી

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન  મજાનાં છે ?
-જલન માતરી

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની  શૈયા  ગણી  અંગાર  પર હસતો રહ્યો
કોઈના ઇકરાર  અને  ઇન્કાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર  એ આધાર પર હસતો રહ્યો
ઓ  મુસીબત  એટલી  ઝિંદાદીલીને  દાદ  દે
તેં  ધરી તલવાર તો  હું ધાર પર હસતો રહ્યો
-જમિયત પંડ્યા

એક  ગાડું   ક્યારનું   પૈડાં  વગર
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર
આંખ ઊંચી જ્યાં કરું તો બ્રહ્મા હતા
સાવ થાકેલા હતા  સરજ્યા  વગર
-જયંત ઓઝા

ઈચ્છાઓ કેટલી મને  ઈચ્છા  વગર મળી
કોણે  કહ્યું  અમીન ન  માગ્યા વગર મળે
-અમીન આઝાદ

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું  બીજા તો કોઈ કામનું નથી
-જવાહર બક્ષી

શબ્દો  છે  બેશુમાર ગઝલ એક પણ નથી
વરસ્યોતો  ધોધમાર ફસલ એક કણ નથી
લાશોને  ચાલતી  લહું  શહેરો  મધી  કદી
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી
-અબ્દુલકરીમ શેખ

શ્રદ્ધાથી  બધાં  ધર્મોને  વખોડું  છું  હું
હાથે  કરીને  તકદીરને   તોડું  છું  હું
માગું છું  દુઆ  એ તો ફક્ત છે દેખાવ
તુજથી ઓ ખુદા હાથ આ  જોડું છું  હું
-મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
એક તો ઓછી મદિરા છે  ને ગળતું જામ છે 
-મરીઝ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે  બધાના વિચાર દે
-મરીઝ

દુનિયામાં એને શોધ તું ઈતિહાસમાં ન જો
ફરતા રહે છે  કંઈક  પયમ્બર  કહ્યા વિના
-મરીઝ

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે
અંદરથી  એ સંભાળ કે  છેટે  જવા  ન દે
કેવો ખુદા મળ્યો છે ભલા  શું કહું મરીઝ
પોતે  ન દે  બીજાની  કને  માગવા ન દે
-મરીઝ

પ્રસ્વેદમાં  પૈસાની   ચમક  શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં  રુદન શું કરીએ
આંસુમાં  ગરીબોના  નમક  શોધે છે
-મરીઝ 

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ
દિલ  વિના લાખો મળે  એને  સભા  કહેતા નથી
-મરીઝ

જીવવા જેવા હતા એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ
મેં જ આખી જિંદગીને  જિંદગી સમજી લીધી
-મરીઝ

સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતાંતાં
હતી જે  એક જમાનામાં  હવે  એવી  તરસ ક્યાં છે
-મરીઝ

ન તો કંપ છે  ધરાનો
ન તો હું ડગી ગયો છું
કોઈ મારો હાથ ઝાલો
હું  કશુંક પી ગયો  છું
-ગની દહીવાળા

ચાહું  ત્યારે  ઘૂંટ ભરું  ને  ચાહું ત્યારે  ત્યાગ કરું
મારું  તો  એવું  છે  મારા  ફાવે  તેવા ભાગ  કરું
સારા નરસા દિવસો એ તો ઈચ્છાના ઓછાયા છે
મારા આ  દુર્ભાગ્યને સાજન ઈચ્છું તો સોહાગ કરું
-અમૃત ઘાયલ

જીવન જેવું  જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું  છું   પછી  થોડું  ઘણું  એને   મઠારું છું
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
વિચારીને તું જીવે  છે  હું  જીવીને   વિચારું છું
-અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું  કારણ મને ગમે છે
-અમૃત ઘાયલ

અમૃતથી  હોઠ સૌના  એંઠાં કરી શકું છું
મૃત્યુના  હાથ પળમાં હેઠા  કરી શકું છું
આ મારી શાયરીયે સંજીવની છે ઘાયલ
શાયર છું  પાળિયાને બેઠા કરી શકું  છું
-અમૃત ઘાયલ

કેમ ભૂલી ગયા? દટાયો છું
આ ઈમારતનો હુંય પાયો છું
વિસ્તર્યા વિણ બધે છાયો છું
હું અજબ રીતથી ઘવાયો છું

એ જ  પ્રશ્ન છે  કોણ કોનું છે
હું  ય મારો  નથી પરાયો છું
સાચું પૂછો  તો સત્યના પંથે
ખોટી વાતોથી  દોરવાયો છું
-અમૃત ઘાયલ

ચડી આવે  કદી ભૂખ્યો  કોઈ  હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું  અન્નકૂટ  એને જમાડે છે
કરાવે  છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
-અમૃત ઘાયલ

વલણ  એક  સરખું રાખું  છું  આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું  કૈં નથી હારું  છું પણ બહુધા
નથી  હું  હારને  પલટાવવા  દેતો   હતાશામાં
-અમૃત ઘાયલ

જેમની  સંસારમાં  વસમી સફર હોતી નથી
તેમને શું  છે જગત તેની ખબર હોતી નથી
જિંદગી ને મોતમાં  છે માત્ર ધરતીનું શરણ
કોઈની વ્યોમે હવેલી  કે  કબર હોતી નથી
અજ્ઞાત

જીવનની  સમી  સાંજે  મારે  જખ્મોની  યાદી  જોવી હતી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
-સૈફ પાલનપુરી

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે  કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ  ટીપે  ટીપે તરસે  છે  કોઈ  જામ નવા  છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું  દરિયાને ઠપકો  ના  આપો
એક તરતો  માણસ ડૂબે  છે  એક લાશ  તરીને  આવે છે
-સૈફ પાલનપુરી

જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ગની
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે
-ગની દહીંવાલા

કોઈ ઇચ્છાનું મને  વળગણ ન હો
એ જ ઇચ્છા છે હવે એ પણ ન હો
કોઈનામાં  પણ  મને  શ્રદ્ધા  નથી
કોઈની શ્રદ્ધાનું  હું  કારણ  ન  હો
-ચિનુ મોદી

જાત ઝાકળની  છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે
-ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી
ઈર્શાદ  આપણે  તો  ઈશ્વરને  નામે વાણી
-ચિનુ મોદી

તારું કશું ન હોય તો છોડીને આવ તું
તારું જ બધું હોય તો છોડી બતાવ તું
સાકરની જેમ ઓગળી જઈશ  હું પણ
છલકાતો  કટોરો  ભલેને મોકલાવ તું
-રાજેન્દ્ર વ્યાસ મિસ્કીન

દેરી મંદિર શોધી શોધી  લોક  નિરંતર  ફર્યા કરે છે
રોજ રોજ સરનામું બદલી  જાણે  ઈશ્વર ફર્યા કરે છે
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે
ભીતર પ્રવેશવાને  બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે
-રાજેન્દ્ર વ્યાસ મિસ્કીન
ત્રાસી ગયો છું  એટલો  એક જ અનુભવે
બીજો ખુદા નિભાવી શકું એ જીગર નથી
-શૂન્ય પાલનપુરી

કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે
સમજી શકો તો એથી વધુ ફેર કૈં નથી
-શૂન્ય પાલનપુરી

મનની મર્યાદા તજી  એનું જ આ પરિણામ છે
એમ લાગે છે  કે સચરાચર  હવે મુજ ધામ છે
કોઈ  કાબા હો કે મંદિર  ભેદ છે  સ્થાપત્યનો
પૂજ્ય થઈ  જાયે છે પથ્થર આસ્થાનું કામ છે
-શૂન્ય પાલનપુરી

યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી
શૂન્ય  હવે  આ  સત્તાલોભી  શરણાગતને  શું  કહેવું
-શૂન્ય પાલનપુરી

ઝાંઝવા જળ સીંચશે એ આશ પર
રણમાં  તૃષ્ણાએ  કરી  છે વાવણી
-શૂન્ય પાલનપુરી

જેનાં કદમ અસ્થિર હો એને રસ્તો કદી નથી જડતો
અડગ મનના પ્રવાસીને હિમાલય પણ નથી નડતો
સદા  સંસારીઓ  પર  શ્રાપ  છે  સંતાપ  સહેવાનો
ધરાથી   દૂર   ઉડનારાને  પડછાયો  નથી  નડતો
-શૂન્ય પાલનપુરી

નથી   માનવકીકીથી   વધુ  સૃષ્ટિની  મર્યાદા
પછી  કેવા  ભરમમાં  ઈશ્વરે  લીલા વધારી છે
વિઘાતક છે જે ફૂલોનાં એ પથ્થરના પૂજારી છે
પ્રભુ તુજ નામની પણ  કેટલી ખોટી ખુમારી છે
-શૂન્ય પાલનપુરી

કોઈને નાત  ખટકે છે  કોઈને  જાત ખટકે છે
અમોને સંકૂચિત દ્રષ્ટિ તણો  ઉત્પાત ખટકે છે
નથી એ  ધર્મના ટીલાં  કલંકો  છે મનુષ્યોનાં
વિરાટોના લલાટે અલ્પતાની  ભાત ખટકે છે
-શૂન્ય પાલનપુરી

સમંદરને ક્યાંથી ગમે ભલા  બુદબુદની પામરતા
અમોને  પણ  અમારા  દેહની ઓખાત  ખટકે છે
દઈ  વર્ચસ્વ  સૃષ્ટિ પર  ભલે  રાચી રહ્યો ઈશ્વર
અમોને દમ વિનાની શૂન્ય એ  સોગાત  ખટકે છે
-શૂન્ય પાલનપુરી

તું આવ કે ન આવ જશે તું જ ખોટમાં
પૂજા તો થઈ શકે છે ગમે તે પ્રતિકથી
-શૂન્ય પાલનપુરી

હસે જે મારી મુક્તિ પર એ કેવળ ભીંત ભૂલે છે
નથી ડરતો જરા પણ હું જીવનની દુર્દશાઓથી
જો  પ્રકટાવી  શકું છું  દીપ તોફાની હવાઓમાં
બચાવી  પણ શકું છું એને  તોફાની હવાઓથી
-શૂન્ય પાલનપુરી

એક શાયર છું  જીવન કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું  ઉપાસક  કારીએ કુઅરાન છું
કિંતુ જો ઈમાનની પૂછો  તો આસિમ સાંભળો
હું ન હિન્દુ છું ન મુસ્લિમ છું ફક્ત ઈન્સાન છું
-આસિમ રાંદેરી

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે
અલ્લાહનો અવાજ  મિનારે  ન  જોઈએ
સહેલાઈથી જે પાળી શકો  એ જ ધર્મ છે
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ
-કુતુબ આઝાદ

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા  તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી શયદા 

તમો શોધો તમોને એ જ  રીતે
હું ખોવાયા પછી મને જડ્યો છું
-હરજી લવજી દામાણી શયદા

4 comments: